આવકવેરાના કાયદા હેઠળ ખેતીની આવક પર નોંધ લખો
કરવેરાની ખેતીવિષયક આવક વિશે આવકવેરા કાયદાની જોગવાઈઓની ચર્ચા કરો
જવાબઃ ખેતીની આવક માત્ર દાણા કે અનાજની ખેતી કરવી તેવો મર્યાદિત અર્થ થતો નથી. તે અનાજ, શાકભાજી, ફળ-ફળાદિ, છોડ, ઘાસ, ચા, કૉફી, તંબાકુ, રૂ વગેરે હોઈ શકે. આ તમામ વસ્તુઓ જમાનમાંથી પેદા થાય છે અને તેનાં વેચાણમાંથી થતી આવક ખેતીની આવક ગણાય. નર્સરીનાં છોડમાંથી થયેલ આવક ખેતીની આવક ગણાય. પરંતુ પશુપાલન ઉછેર, મરઘાં ઉછેર, દહીં કે છાસના વેચાણમાંથી થતી આવક ખેતીની આવક ગણાતી નથી.
ખેતીની આવક સંબંધમાં નોંધપાત્ર મુદ્દાઓ
1. જમીનમાંથી ભાડું અથવા મહેસૂલ ઉત્પન્ન થયેલું હોવું જોઈએ
એટલે કે જમીન, ભાડું અથવા મહેસૂલનું તત્કાળ અને અસરકારક સ્રોત હોવું જોઈએ. દા. ત. કોઈ ખેતીની જમીનનો માલિક પોતાની ખેતીની જમીન અન્ય કોઈ વ્યક્તિને તેના તરફથી ચૂકવવામાં આવનાર વર્ષાસનના અવેજના બદલામાં હર્ષાંતર કરે, તો આ વર્ષાસનની રકમ ખેતીની આવક ગણાય નહીં, પરંતુ ખેતીની જમીનનો માલિક પોતાની જમીન ભાડાપટ્ટે આપે, તો ભાડાપટ્ટાની રકમ ખેતીની આવક ગણાય.
2. જમીન ભારતમાં આવેલી હોવી જોઈએ
ખેતીની જમીનમાંથી થતી આવક ખેતીની આવક ગણાય તે માટે આ જમીન ભારતમાં આવેલ હોવી જોઈએ. ખેતીની જમીન વિદેશમાં આવેલ હોય અને તેની આવક ભારતમાં પ્રાપ્ત થતી હોય, તો આવી આવક ખેતીની આવક ગણાય નહીં, અને તે આવક કરપાત્ર બને, કરમુક્ત ગણાય નહીં.
3. જમીનનો ખેતીના હેતુઓ માટે ઉપયોગ થતો હોવો જોઈએ
ખેતીની જમીન એટલે એવી જમીન કે જેનો ખેતવિષયક હેતુઓ માટે ઉપયોગ થતો હોય એટલે કે તેનો ઉપયોગ ખેતીના હેતુઓ માટે થતો હોવો જોઈએ. ખેતીના હેતુઓ માટે તેનો ઉપયોગ થયેલ ગણાય તે માટે તેના પર બે પ્રકારની કામગીરી થવી જોઈએ. 1) મૂળભૂત કામગીરી- દા.ત. જમીન ખેડવી, બી વાવવા, છોડ ઉછેરવા, પાણી પીવરાવવું વગેરે. આ પ્રકારની કામગીરી છે. 2) પશ્ચાદ્ કામગીરી- દા.ત. છોડ ઉગ્યા બાદ તેને ખાતર આપવું, દવા છાંટવી, ઝાંખરા દૂર કરવા, કાપણી કરવી, ખેત ઉત્પાદન બજાર સુધી પહોંચાડવા વગેરે આ પ્રકારની કામગીરી છે.
4. જમીનમાંથી ઉત્પન્ન થયેલ આવક નીચેનામાંથી કોઈપણ રીતે ઉત્પન્ન થયેલ હોવી જોઈએ
એ) ખેતી
બી) ખેત ઉત્પાદન બજાર લાયક બનાવવા માટે ખેડનાર અથવા વસ્તુનાં સ્વરૂપમાં ભાડું મેળવનાર તરફથી થયેલ કામગીરી.
5. નીચેની શરતોને આધીન, મકાનમાંથી આવક ઉત્પન્ન થયેલી હોવી જોઈએ
એ) મકાન કાં તો ખેતીની જમીન પર અથવા તેની તદ્દન નજીક આવેલ હોવું જોઈએ.
બી) મકાનની માલિકી અને કબજો ખેડનાર અથવા વસ્તુનાં સ્વરૂપમાં ભાડું મેળવનારનો હોવો જોઈએ.
સી) ખેડનાર અથવા વસ્તુનાં સ્વરૂપમાં ભાડું મેળવનાર જમીન સાથેના પોતાના સંબંધનાં કારણે કબજો ધરાવતો હોવો જોઈએ.
ડી) મકાનનો ઉપયોગ રહેણાંક, સંગ્રહ ખંડ અથવા બાહ્ય નિવાસના હેતુઓ માટે ઉપયોગ થતો હોવો જોઈએ.
ઇ) આ જમીન પર ભારતમાં મહેસૂલ આકારણી થવી જોઈએ અથવા આ જમીન સરકાર દ્વારા સ્થાનિક દરે આકારણી અને વસૂલાતપાત્ર હોવી જોઈએ.
એફ) જો આ ખેતી જમીનની આકારણી ન હોય, અથવા સ્થાનિક દરે જો તે આકારણીને આધીન ન હોય તો આ જમીન છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે દસ હજાર કે તેથી વધારે વસતી ધરાવતી શહેર સુધરાઈ અથવા કેન્ટોન્મેન્ટ બોર્ડની હકૂમતમાં આવેલ હોવી જોઈએ નહીં અથવા શહેર સુધરાઈ કે કેન્ટોન્મેન્ટ બોર્ડની સ્થાનિક હદથી 8 કિમી વિસ્તારમાં આ જમીન આવલ હોવી જોઈએ નહીં.
ખેતીની આવકના ઉદાહરણો
એ) ફળ-ફૂલો, શાકભાજીનાં વેચાણમાંથી થયેલ આવક.
બી)ખેતીની ભાડાપટ્ટે અપાયેલ જમીનનું ભાડું
સી) ચરિયાણ માટે અપાયેલ ખેતીની જમીનની થતી આવક
ડી) ખેતીવિષયક કામગીરી કરતાં થયેલ આવક.
ખેતીની આવક નહીં- ઉદાહરણો
એ) માછીમારીની આવક
બી) ખાણની રોયલ્ટી
સી) છાસ, માખણમાં વેચાણમાંથી થયેલ આવક
ડી) મરઘાં-ઉછેર કેન્દ્રની આવક
ઈ) કંપનીએ આવકમાંથી ચૂકવેલ ડિવિડન્ડ
એફ) શાહુકારને ખેત ઉત્પન્ન સ્વરૂપમાં મળેલ વ્યાજ
જી) મીઠું, પકવવાથી થયેલ આવક
એચ) જમીન પર કુદરતી રીતે અને માનવીની કોઈપણ પ્રકારની મહેનત વગર આપમેળે ઉગેલ ફળ-ફૂલના વેચાણની આવક.
Comments
Post a Comment